Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પદ્મની પાંખડી પેઠે પ્રસન્નપણે પ્રકટતા પ્રભાતના પ્રથમ પ્રહરમાં જો;
મારી આંખમાં તારા અનુરાગનું અમૃત ના દેખાય,
તો તું ભલે ના આવીશ !

બળુંબળું થતા ને બીજાને બાળતા બિહામણા બપોરે જો;
મારા અંગેઅંગમાં તારી આરાધનાનો આભાસ ના દેખાય,
તો તું ભલે દર્શન ના દઈશ !

સ્વર્ગમાં જવા સારુ સાજ સજીને તૈયાર થયેલી સોહામણી સંધ્યાએ જો;
મારા જરી જેટલા ઝરણ જેવા વહી રહેલા જીવનમાં
તારી ઝંખના ના જણાય,
તો તું ભલે ના આવીશ!

રોમેરોમમાં રાગરાગિણી ભરીને ઊભેલી રસરાજ્ઞી રસીલી રાતે જો;
મારી આંખમાં તારાં આંસુ ને તારે માટેની આતુરતા ના દેખાય,
તો તું ભલે દર્શન ના દઈશ !

મંગળમય મહાકાવ્યના જેવી મધુરી મધરાતે જો;
મારી પુલકિત પાંપણ પર તારું પીયૂષ ના પરખાય,
તો તું ભલે ના આવીશ !

કોઈ પણ કાળે ને સ્થાને જો;
મારા હૃદય ને રોમેરોમમાં તારો રણકાર ના સંભળાય,
રાસ ના નીરખાય,
તો તું ભલે ના આવીશ !

- શ્રી યોગેશ્વરજી