Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક દિવાલર દિલના પુરુષે અન્યને માટે જમણવાર કરવાની ઈચ્છાથી સો લીટર દૂધ મંગાવ્યું. એમનો વિચાર દૂધપાક કરાવવાનો હતો. એમની અનુપસ્થિતિમાં એમના એક સંબંધીએ વિચાર્યું કે આટલા બધા દૂધમાં એક જ છાંટો છાસનો નાખીએ તો શું બગડવાનું ? આટલા બધા દૂધમાં છાસનો એક છાંટો ક્યાંય ભળી જશે. એણે પોતાના એ વિચારને ચરિતાર્થ કર્યો, તો પરિણામ કેવું આવ્યું ? દૂધ ફાટી ગયું. એમાંથી દૂધપાક ના થઈ શક્યો.

ગુજરાતના ભક્તકવિ પ્રીતમદાસે એવા ભાવાર્થને રજૂ કરતાં ગાયું છે-

કિંચિત કુસંગે રે બોધ બગડે ઘણો,
સો મણ દૂધ માંહે રે, છાંટો પડે છાસનો,
વળતી એનાં જુદાં થાય વખાણ,
કિંચિંત કુસંગે રે બોધ બગડે ધણો.

એવી રીતે કુસંગ એક ક્ષણનો અથવા એકદમ સાધારણ હોય તો પણ મનને મલિન કરે છે. બુદ્ધિને બગાડે છે ને જીવનભરની સાધનાને વિકૃત બનાવે છે. કુસંગ પુસ્તકોનો હોય, વ્યક્તિઓનો હોય, કે વાતાવરણનો હોય : જોવાથી, સાંભળવાથી, સ્પર્શ દ્વારા, ચિંતન, મનન કે સ્મરણની મદદથી કરાતો હોય, પરંતુ છે ઘાતક અને જીવનના સર્વોચ્ચ વિકાસમાં બાધક. એ ચિત્તને ચંચળ કરે છે અને પોતાના અપનાવેલા આદર્શોમાંથી ભ્રષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. જીવનભરની સંસ્કારોની ને સત્કર્મોની કમાણીને બરબાદ કરે છે. માટે જ દેવર્ષિ નારદજીએ પોતાના ભક્તિદર્શનમાં- નારદ ભક્તિ સૂત્ર ગ્રથમાં- જણાવ્યું છે, મીઠા સ્વાનુભૂતિસૂચક શબ્દો દ્વારા ભલામણ કરી છે કે - દુસ્સંગ: સર્વથા એવ ત્યાજ્યઃ । અર્થાત્ કુસંગનો સર્વ પ્રકારે ને સર્વ સ્થળે, સર્વ કાળે પરિત્યાગ કરવો જોઈએ. આત્મિક વિકાસના સાધકોએ એ શબ્દોનું સદાય સ્મરણ કરવા જેવું છે.

કુસંગનો ત્યાગ કરવા જેવો છે, તેમ જીવનવિકાસના સાધકોએ સત્સંગ, સારા પુસ્તકોનો, સત્પુરુષોનો, સારા અનૂકુળ વાયુમંડળનો સમાગમ સદા કરવાનો છે. સત્સંગ જીવનોપયોગી રસાયન છે અથવા રસાયનની ગરજ સારે છે. મનને મલિનતામાંથી મુક્ત કરે છે, બુદ્ધિને સુધારે છે અથવા ઉદાત્ત બનાવે છે, આત્માને આલોકિત કરે છે, અને પરમાત્માનો પરિચય પામવાની શક્તિ બક્ષે છે. અંતરને શાંતિ અર્પે છે. ક્ષણવારનો પણ સત્સંગ ખરેખર તારક બને છે. એનો મહિમા વર્ણવતાં આદ્ય શંકરાચાર્ય મહારાજે ગાયું છે - ‘ક્ષણમપિ સજ્જન સંગતિરેકા, ભવતિ ભવાટવિ તરણે નૌકા.’

સત્સંગ કદાચ મળે જ નહિ તો અસંગ અથવા સંગરહિત રહેવું. પરંતુ કુસંગ તો કદાપિ ના કરવો. અસંગ પણ અવર્ણનીય આનંદ આપે છે. એ દ્વારા માનવ પોતાનો સંગ કરતાં શીખે છે અને જીવનવિકાસની અભિરુચિવાળા સાધકને માટે ‘સ્વ’નો સંગ અતિશય આવશ્યક અમોઘ આર્શીવાદરૂપ છે.

- શ્રી યોગેશ્વરજી