Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઈશ્વર ક્યાં છે ? માણસો ઈશ્વરની શોધ કરવા સાંસારિક જીવનનો પરિત્યાગ કરીને વિવિક્તવાસી બને છે; ગિરિ, સરિતાના અથવા અરણ્યના એકાંત પ્રદેશમાં પ્રવેશીને આસન જમાવે છે. મૌન ધારે છે, તીર્થોમાં વિચરે છે, વ્રત-તપ તથા સ્વાધ્યાયનો આશ્રય લે છે, સંતોનું શરણ શોધે છે, અને એમ અનેક પ્રકારના પ્રયત્નો પ્રારંભે છે. કેટલીકવાર એમને એમની શોધમાં નિરાશા પણ સાંપડે છે. પહેલાં માણસ બહારની દુનિયામાં એને પામવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અંતે એને અવલોકવાની અભિપ્સાથી પ્રેરાઈને અંતર્મુખ બને છે, અને પોતાના દિલમાં ડોકિયું કરે છે.

ગુરુ નાનકદેવ કહે છે કે ‘કાહે રે બન ખોજન જાઈ?’ ઓ ઈશ્વરને શોધનારા ! એને શોધવા વનમાં શા માટે વિચરે છે અને વસે છે ? એ તો અંતર્દર્શી છે, ઘટઘટમાં રમનાર છે. તારી સાથે જ રહે છે. ફૂલમાં જેમ ફોરમ, નદીમાં નીર, પૃથ્વીમાં ગંધ વગેરે છે, એમ તારાથી અલગ થઈ શકે એમ જ નથી.

ઉપનિષદના ઋષિ કહે છે ‘हृदि हृदेष आत्मा’। ગીતા કહે છે, ‘ईश्वरः सर्वभूतानां हृदेशेडर्जुन तिष्ठति ।’ ઈશ્વર સૌના હૃદયપ્રદેશમાં વાસ કરે છે. એને મળવા માગનારે ત્યાં જ મનને એકાગ્ર અથવા કેન્દ્રિત કરીને એમને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પછી આસપાસ જે કાંઈ છે એ જડચેતનાત્મક પણ એના પ્રતીક જેવું જ પેખાશે કે અનુભવાશે. પક્ષીઓના સુમધુર સ્વરોમાં, સરિતા અને સ્તોત્રના અભિસરણમાં, તારકમાં, પુષ્પોમાં, ધરતીની ધૂળમાં, સર્વત્ર એની આભા અવલોકાશે. ગરીબ અને અમીર, સાક્ષર-નિરક્ષર, સૌ એની પ્રતિમૂર્તિ જેવા લાગશે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે !’ એ ભક્તકવિ નરસૈંયાએ વ્યક્ત કરેલા ભાવોનો સ્વાનુભવ એને સારું શક્ય અને સહજ બનશે. પછી એને માટે ઈશ્વર ક્યાં છે એવો પ્રશ્ન નહિ રહે. ઈશ્વર ક્યાં નથી એ જ પ્રશ્ન હશે.

એ ઈશ્વરને આપણી આજુબાજુ સંસારમાં સર્વત્ર અનુભવી શકાય છે. માતાના, પિતાના, સ્વજનો અને સ્નેહીઓના રૂપમાં એ જ રમે છે. પોતાના પ્રેમને પ્રકટ કરે છે, અને પોતાની લાગણીને વહેતી મૂકે છે એમની અંદર ઈશ્વરનું દર્શન કરીએ એ આવશ્યક છે.

- શ્રી યોગેશ્વરજી